- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- Red In Gujarat ATS And NCB Factory In Bhopal
ગુજરાત ATS અને NCBએ ભોપાલમાં સૌથી મોટી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી:હાઇટેક ફેક્ટરીમાં રોજ 50 કરોડનું ડ્રગ્સ બનાવતા, 5 હજાર કિલો રો-મટિરિયલ મળ્યું, 2ની ધરપકડ
- કૉપી લિંક
ગુજરાત ATS અને NCB દિલ્હી દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન કરીને મધ્યપ્રદેશના ભોપાલના બગરોડા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતે મેન્યુફેક્ચરિંગ યુનિટની આડમાં ચાલતી ફેક્ટરીમાં રેડ કરી 1814 કરોડની કિંમતનું 907 કિલો એમડી ડ્રગ્સનું મટિરિયલ તથા સાધનો કબ્જે કરવામાં આવ્યો
ગુજરાત એટીએસએ છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સના જથ્થા સાથે અનેક આરોપીઓની ધરપકડ કરી છે. જેને લઈને એટીએસને વધુ એક માહિતી મળી હતી. જેના આધારે છેલ્લા એકથી દોઢ મહિના દ્વારા એટીએસની ટીમ દ્વારા બાતમીની જગ્યા પર વોચ રાખવામાં આવી રહી હતી. જ્યારે બાતમી ચોક્કસ થઈ ત્યારે એટીએસએ દિલ્હી NCBનો સંપર્ક કરીને સંયુક્ત રીતે ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત એટીએસ અને દિલ્હી NCBની ટીમ દ્વારા મધ્યપ્રદેશના ભોપાલમા આવેલા બગરોડા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતે રેડ કરીને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ રેડ દરમિયાન ભાડાના શેડમાંથી 907 કિલો એમડી ડ્રગ્સનો સોલિડ તથા લિક્વિડ જથ્થો મળી આવ્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1814 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત રેડ દરમિયાન પાંચ હજાર કિલો રો-મટિરિયલ અને એમડી ડ્રગ્સના ઉત્પાદન માટે ઉપયોગમાં લીધેલા ગ્રાઈન્ડર, મોટર, ગ્લાસ, હીટર સહિતના એપરેટ્સ પણ મળી આવ્યા હતા.
7 મહિના પહેલા શેડ ભાડે લીધો હતો આ રેડ દરમિયાન અમિત ચતુર્વેદી (57 વર્ષ) જે ભોપાલનો રહેવાસી છે તથા સન્યાલ પ્રકાશ બાને (ઉં.વ. 40) જે નાસિક મહારાષ્ટ્રનો રહેવાસી છે તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ધરપકડ બાદ પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી સન્યાલ પ્રકાશ બાને અગાઉ વર્ષ 2017માં અંબોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કિલો એમડી ડ્રગ્સના સીઝર કેસમાં પકડાયો હતો. જેમાં તે પાંચ વર્ષ જેલમાં પણ રહીને આવ્યો છે. જેલમાંથી છૂટ્યા બાદ તેણે અમિત ચતુર્વેદીના એક મિત્ર દ્વારા સંપર્ક કરીને એમડી ડ્રગ્સના ઉત્પાદન અને વેચાણ માટેનો પ્લાન બનાવ્યો હતો. આ પ્લાન મુજબ તેઓએ બગરોડાની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સાત મહિના અગાઉ જ એક શેડ ભાડે લીધો હતો અને જેમાં છેલ્લા ત્રણથી ચાર મહિનાથી એમડી ડ્રગ્સ તૈયાર કરવા માટેનું રો-મટિરિયલ અને સાધન સામગ્રી એકઠી કરી હતી. જેમાં કેમિકલ પ્રોસેસ અને વેચાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું.
રોજ 25 કિલો એમડી ડ્રગ્સનું પ્રોડક્શન થઈ શકે તેવી કેપેસિટી છે આરોપીઓએ 2500 વારની જગ્યામાં શેડ ઉભો કર્યો હતો. ગુજરાત એટીએસ દ્વારા અત્યારસુધી પકડવામાં આવેલા ગેરકાયદેસર ફેક્ટરીઓ પૈકી અત્યારસુધીના સૌથી મોટી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત અત્યારસુધીની સૌથી મોર્ડન ફેક્ટરી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ફેક્ટરીમાં રોજ 25 કિલો એમડી ડ્રગ્સનું પ્રોડક્શન થઈ શકે તેવી કેપેસિટી છે. આરોપીઓએ અત્યારસુધી એક સ્લોટ તૈયાર કરીને વેચ્યો હોવાની શંકા છે અને આ સ્લોટ પણ મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રમાં વેચ્યો હોવાની શક્યતા છે. જેને લઈને એટીએસ દ્વારા તેમને વધુ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ કેટલા સમયથી જથ્થો બનાવતા હતા તથા કઈ કઈ જગ્યાએ તથા કોને વેચતા હતા તે માટેની તપાસ પર શરૂ કરવામાં આવી છે.
એજન્સી ડ્રગ્સની હેરાફેરી સામે કડક હાથે કામ કરી રહી છે હર્ષ સંઘવીએ X પર લખ્યું છે કે, આ કાર્યવાહી બતાવે છે કે, એજન્સી ડ્રગ્સની હેરાફેરી સામે કડક હાથે કામ કરી રહી છે. આ સામૂહિક પ્રયાસો સમાજ અને આરોગ્યની સુરક્ષા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આપણી એજન્સીની આ પ્રશંસનીય કામગીરી છે અને દેશને સલામત અને આરોગ્યપ્રદ રાખવાના તેના મિશનને સાથ આપવાનું ચાલુ રાખીએ.
2 શખસની ધરપકડ પ્રાથમિક અહેવાલ અનુસાર, આ MD ડ્રગ્સનાં જથ્થાની અંદાજિત કિંમત રૂ. 1814 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. આ ઓપરેશનમાં ATS અને NCBની ટીમે બે આરોપીઓની ધરપકડ પણ કરી છે. સાથે જ ફેક્ટરીમાંથી MD ડ્રગ્સ બનાવવા માટેની તમામ સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઇ છે.
બે મહિના પહેલાં સુરતમાં MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી બે મહિના પહેલાં ગુજરાત ATS દ્વારા સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામમાંથી મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી, જેમાં ઝડપાયેલા ત્રણ આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ડ્રગ્સ કાર્ટેલમાં મુંબઈમાં ચિંચબંદર વિસ્તારમાં રહેતા મોહંમદ યુનુસ તથા મોહંમદ આદિલ પણ સંડોવાયેલા છે. બંને આરોપીઓ મહારાષ્ટ્રના એક ફ્લેટમાં મેફેડ્રોન (MD) બનાવી વેચાણ કરે છે, જેના આધારે ગુજરાત ATSની ટીમ દ્વારા ફ્લેટમાં દરોડા પાડી બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. ફ્લેટમાં મેફેડ્રોન (MD) બનાવવા માટેની પ્રોસેસ ચાલુમાં હતી. 11 કિલો સેમી-લિક્વિડ મેફેડ્રોન (MD) તથા બેરલોમાં ભરેલા 782 કિ.ગ્રા.લિક્વિડ મેફેડ્રોન (MD) મળ્યું હતું.
હર્ષ સંઘવીની X પર પોસ્ટ
મુંબઈના ચિંચબંદરના બે શખસની ધરપકડ ગુજરાત ATSની ટીમ દ્વારા ઝડપેલા મુદ્દામાલની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂ. 1800 કરોડની થતી હતી. આ MD બનાવવા ઉપયોગમાં લીધેલા ગ્રાઈન્ડર, મોટર, ગ્લાસ ફ્લાસ્ક, હીટર વગેરે એપરેટ્સ મળ્યાં હતાં, જે તમામ મુદ્દામાલ તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત ATSની ટીમે મોહંમદ યુનુસ ઉર્ફે એજાઝ સ.ઓ. મોહંમદ તાહીર શેખ (ઉં.વ.41, રહે. સુકેના મંઝિલ, ચિંચબંદર પોસ્ટ ઓફિસ પાસે, ડોંગરી, મુંબઇ) અને મોહંમદ આદિલ સ.ઓ. મોહંમદ તાહીર શેખ (ઉં.વ 34, રહે. સુકેના મંઝિલ, ચિંચબંદર પોસ્ટ ઓફિસ પાસે, ડોંગરી, મુંબઇ)ની ધરપકડ કરી હતી.
મેફેડ્રોન (MD) ડ્રગ્સ શું છે? મેફેડ્રોન (Mephedrone)નું ટેક્નિકલ નામ 4-મેથાઇલમેથકેથિનોન (methylmethcathinone) છે. ઘણા લોકો આ દવાને મ્યાઉં-મ્યાઉં કહે છે, તો કેટલાક મ્યો-મ્યો. આ ડ્રગ્સ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાના ઘણા દેશોમાં પ્રતિબંધિત છે. મેફેડ્રોન ખૂબ જ ખતરનાક ડ્રગ્સ મનાય છે. એવું માનવામાં આવે છે કે આ દવા વૃક્ષો કે છોડના જીવજંતુઓને મારવા માટે બનાવવામાં આવી હતી, પરંતુ એનો ઉપયોગ ડ્રગ્સ તરીકે થવા લાગ્યો છે.
MD ડ્રગ્સ વાપરનાર પર કેવી અસરો કરે છે મેફેડ્રોન માત્ર પાઉડર સ્વરૂપમાં મળે છે, જોકે એના વ્યસનીઓ એને સતર્કતા અને ઉત્સાહ વધારવા માટે માને છે, પરંતુ તેના ઘણા ગેરફાયદા પણ છે, જેમાં હતાશા, ઉબકા, અનિદ્રા વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય તેના લાંબા સમય સુધી ઉપયોગથી હૃદય સંબંધિત બીમારીઓ વધી શકે છે અને મતિભ્રમ અને ગુસ્સો આવે છે. આનાથી માનસિક સ્વાસ્થ્ય પર મોટી અસર પડે છે અને એની પ્રતિકૂળ મનોવૈજ્ઞાનિક અસરો થાય છે.